Search This Blog

પ્રફુલચંદ્ર રાવલનો પુત્રી ચિ. નિવેદિતાને પ્રથમ પત્ર

ૐ કલીમ નમઃ
ચિ. નિવેદિતા,
       લગ્ન પછીનો તરો પ્રથમ પત્ર મળ્યો. વાંચીને ખૂબ આનંદ થયો. તમો સુખરૂપ ભરૂચ પહોંચી ગયાના સમાચાર વાંચી ચિંતા ઓછી થઈ.
       જ્યારે તું દામ્પત્ય જીવન ની કેડીએ યાત્રાનો શુભારંભ કરે છે ત્યારે, આચરણ માં મૂકવાની અપેક્ષા સાથે કેટલીક શિખામણો આપવાનુ મન થાય છે.
       સુખી દામ્પત્ય જીવન ની ઇમારત, સ્નેહ, સ્વાર્પણ, સહનશીલતા અને શ્રદ્ધા ના ચાર સ્તંભ ઉપર ઊભી હોય છે. જ્યારે આ ચાર માંથી એકાદ સ્તંભ પણ ધરાશાયી થાય છે, ત્યારે દંપત્ય જીવન ની ઇમારત  જોખમાય છે.
       આપણે કોઈની પાસે સ્નેહ, વાત્સલ્ય અને સ્વમાન ની અપેક્ષા ત્યારેજ રાખી શકીએ જ્યારે આપણે સામેની વ્યક્તિ ને સ્નેહ, વાત્સલ્ય, સન્માન આપીએ. આપણી મરજી મુજબ સામેનો વ્યક્તિ વર્તે એવું આપણે ઇચ્છીએ છીએ, આપણને એ ગમે પણ છે, અને જ્યારે એમ થતું નથી ત્યારે મન દુઃખ થાય છે. પરંતુ સામેની વ્યક્તિને ગમે તેવું આપણું વર્તન હોય તોજ આપણે સામેના વ્યક્તિ પાસેથી એવી અપેક્ષા રાખી શકીએ.
કોઈ વખત આપણને ક્યાંક અન્યાય થતો હોય એવું લાગે. એવા સમયે આપણે ક્રોધ કે જીદ કરવાને બદલે, શાંત ચિત્તે ચિંતન કરીયે, કે અન્યાય શાથી થયો? તો આપણને જરૂર સમજાય કે આપણાં થી શું ભૂલ થઈ જેના પરિણામે આપણને  અન્યાય સહન કરવો પડ્યો. ઘણી વખત આપણે સાચા હોઈએ તો પણ આપણે સહન કરવુ પડે. આવા સમયે જો આપણે માત્ર આપણાજ સત્ય નો દુરાગ્રહ રાખીયે, અને ક્રોધ કે જીદ કરીયે, તો એનાથી આપણું માન ઘટે છે અને વૈમનસ્ય વધે છે. અને એક વખત મનભેદ થાય અને તિરાડ પડે છે જે ઉત્તરોઉત્તર વધતી જાય છે. આપણું સત્ય બીજાને ના પણ ગમતું હોય. એનો અર્થ એ નહી કે આપણું સત્ય પુરવાર કરવા ક્રોધ કે જીદનો આશ્રય લઈએ.
એના બદલે જો આપણે થોડા ઉદાર થઈને નિભાવી લઈએ એ આવકાર્ય છે.
તું કહેતી હતી કે ઊંઝામાં બધાએ લાલ બંગલૉ ભુલાવવા માટેના પ્રયત્ન કરેલા. આવા સદભાવના નો પ્રતિભાવ પણ આપણે અનુકૂળ જ આપવાનો હોય. શ્રી શોભનાબેન દેવેન્દ્રભાઈ જેવા માયાળુ સાસુ સસરા મળ્યા છે એ તારું સૌભાગ્ય ગણજે. બંને માંથી કોઈ પણ ને મનદુઃખ થાય એવું વર્તન કરીશ નહીં. તું તો વિશાળ કુટુંબમાંજ ઉછરી છે. એથી તારા સ્વભાવ માં સંકુચિતતા કે સ્વકેન્દ્રપણું છેજ નહીં.
તને આપણા પરિવારની વહુઓ ના દુર્વ્યવહાર નો અનુભવ તો છેજ. એમના આવા કટુ અનુભવ થી તું એટલો તો બોધ પાઠ જરૂર થી લેજે કે સાસુ સસરા નણંદ જેઠાણી ને દુભાવીને સુખી સંસાર બનાવી શકાતો નથી. કદાચ ક્ષણિક સુખ પ્રાપ્તિ થાય, પણ લાંબા ગાળે એ દુઃખદાયી નીવડે છે. એના વિરુદ્ધ પૂર્ણિમા અને સુલેખા નો દાખલો યાદ કરજે કે એમને સ્વતંત્ર  જીવન જીવવા ની તક મળવા છતાં, સાસુ સસરા ને અળગા રાખ્યા નથી. દરેક માં-બાપ ઇચ્છતા હોય છે કે વૃદ્ધાવસ્થા માં પુત્ર-પુત્રવધુ તેમની સેવા ચાકરી નિજધર્મ માનીને કરે અને એ આવી અપેક્ષા રાખે એમાં કઈ ખોટું પણ નથી.

ચિ. દેવદત્ત જેવા પ્રેમાળ પતિ ના સહચર નું તને સૌભાગ્ય સાંપડ્યું છે. એ પણ ઈશ્વર ની કૃપા જ સમજજે. અને એમની ઈચ્છા ને સર્વોપરી રાખજે અને તારું સમગ્ર વ્યક્તિત્વ, માન, અભિમાન, જેમ દૂધ માં સાગર ઓગળી જાય એમ ઓગળી દેજે. આથી જીવન માં મીઠાશ ફેલાશે. એમને પોતાની પસંદ ઉપર અફસોસ થાય એવુ કોઈ વર્તન કરીશ નહીં.

આપણાથી કાઈ ભૂલ થઇ હોય અને એનું ભાન થાય તો તે નિઃસંકોચ સ્વીકારી લેવી જોઈએ. માત્ર અપડે જ સાચા હોઈએ એવો દુરાગ્રહ રાખવો જોઈએ નહીં.

તે પત્ર માં છેલ્લે માફી છે એથી ખૂબ દુઃખ થયું. માફી તો પારકા ની માંગવાની હોય. અંતર ના માણસો એ માફી મંગવાની હોય જ નહીં. તારાથી કોઈ એવું અઘટિત થયું જ નથી કે જેની માફી માંગવી પડે. માટે હવે એવું કદી લખીશ નહીં.

તારી ઘેરહજરી સાલે તો છે જ. તારા વગર ઘર સુનું સુનું લાગે છે પણ ત્યાં તું સુખી છે એજ અમારા માટે ઘણું છે.
પત્ર ના અંતે, તું અને ચિ. દેવદત્ત દીર્ઘ, સુખી અને સફળ દામ્પત્ય જીવન ભોગવો અને જગત જનની જગદંબા તમને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
પત્ર લખજે.
લી.
પપ્પા-કિલા ના કોટી કોટી શુભાષીશ.
૨૪-૦૭-૧૯૮૯